GUJARAT

‘આ દુનિયામાં મારા જેવો અભણ માણસ ચાલે છે એ ભગવાનનો પુરાવો છે’

હાલમાં એક પુસ્તક વિમોચન કાર્યક્રમ અને લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. કવિશ્રી ગીગા બારોટ પરિવારના લાભાર્થે યાજાયેલા આ કાર્યક્રમમાં સંત શ્રી મોરારીબાપુ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં સુરાપુરા ધામ ભોળાદના દાનભા બાપુ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સિવાય રાજભા ગઢવી સહિતના કલાકાર હાજર રહ્યા હતા. આ પ્રસંગે દાનભા બાપુએ પોતાના વાણીથી શ્રોતાઓને અભિભૂત કર્યા હતા.

દાનભા બાપુએ કહ્યું, આમ તો ગમે ત્યાં જાવ કહું છું કે હું બહુ ભણેલો નથી. પણ જો પરમાત્માની દયા હોય અને પરમાત્મા તમારા દ્વારા કંઈક કરાવવા ઈચ્છતો હશે તો જ આ બધુ શક્ય બની રહ્યું છે. લોકો પૂછે છે ને કે ભગવાનનો પુરાવો શું, ભગવાન શું કરે તો આ દુનિયામાં મારી જેવો અભણ માણસ ચાલે છે ને એ ભગવાનનો પુરાવો છે.

દાનભા બાપુ જણાવ્યું, હું ત્રણ ઉદ્દેશથી ચાલું છું. હું જ કરું છું એવું નથી કહેતો. જે 900 વર્ષ પહેલા મારા વડવાઓ કહો કે બાપદાદા કહો ચારણ-ગઢવીની દીકરીની લાજ રાખવા પોતાના પ્રાણની આહુતિ આપી દે અને એની જે ઈચ્છાઓ અધૂરી રહી ગઈ હતી. એ મારા માધ્યમથી પૂરી કરાવી રહ્યા છે. હું તો તેમણે નિમણૂક કરેલો માણસ છું. આજે એ દેવના માધ્યમથી મેં 55થી 60 હજાર લોકોને વ્યસનથી મુક્ત કરાવ્યા છે. આનો મારી પાસે પુરાવો છે. બધાને ખ્યાલ છે વ્યસન બંધ કરવું એ નાની વસ્તુ નથી. દારુ પીતો હોય ને એ પોતાના એકના એક દીકરાન પણ સમ લાઈને રાત્રે પી લે. પણ ધર્મમાં તાકાત હોય છે.

તેમણે કહ્યું કે હું કોઈ વર્ણજાતિમાં માનતો નથી. તમે જુઓ ભગવાને દરેક જીવને આડા બનાવ્યા અને એ જીવે છે સીધું. જ્યારે મનુષ્યને ઉભો બનાવ્યો અને અને આખી જિંદગી જીવે છે આડો. તેમાં 100માંથી 5 જ સારું જીવતા હોય. પણ હું દેવના માધ્યથી અંધક્ષદ્ધામાં જતા લોકોને દાદા મને જે પીરસે એ પીરસું છું. કર્મમાં ક્યારેય કોઈ ભાગ નથી કરી શક્યું. આપણા પવિત્ર ગ્રંથો જુઓ. ભાગવત જુઓ રામાયણ જુઓ. નહીંતર દશરથ રાજાને ઘરે ક્યાં દીકરા હતા. પણ અજાણતા શ્રવણનો વધ થયો અને એ ભૂદેવનો શ્રાપ લાગી ગયો. અને ચાર-ચાર દિકરાનો જન્મ થયો.

અખિડ બ્રહ્માંડના નાથ મર્યદા પુરુષોત્તમ રામના પિતાજી હોવા છતાં દશરથને ભોગવવાનું આવ્યું તો તમે અને હું તો માણસ છીએ. જોવડાવવા જઈએ શું થાય. મારો એક જ હેતુ છે શિક્ષણ અને સંસ્કાર. અને જરૂર પડે ને તો ધર્મ માટે શસ્ત્રો ઉપાડવાની તૈયારી છે. પણ જો માણસમાં શિક્ષણ અને સંસ્કાર હશે ને તો કંઈ નડવાનું નથી. માણસને નડે છે બે જ વસ્તુ એક ખોટા વ્યસન અને બીજી ખોટી ફેશન. આ બે મૂકી દેને તો 50 ટકા દુખ ઓછું થઈ જાય. બીજા શું કરે છે એ ન જુઓ.

Advertisement