GUJARAT

માતાએ 4 વર્ષના પુત્રની હત્યા કરી, કેમ આવું હચમચાવી દેતું પગલું ભર્યું?

ગુજરાતીમાં એક કહેવત છે કે પુત્ર કુપુત્ર થાય, પણ માતા કદી કુમાતા થતી નથી, જોકે આ કહેવતને બેંગલુરુમાં રહેતી 39 વર્ષની મહિલાએ ખોટી સાબિત કરી છે. બેંગલુરુની એક સ્ટાર્ટઅપ કંપનીની સીઇઓએ ગોવાની એક હોટલમાં તેના જ 4 વર્ષના પુત્રની હત્યા કરી નાખી. આ પછી તેણે લાશને બેગમાં પેક કરી અને ટેક્સી દ્વારા બેંગલુરુ ગઈ. ગોવા પોલીસની માહિતી બાદ કર્ણાટક પોલીસે મહિલાની તેના પુત્રના મૃતદેહ સાથે ધરપકડ કરી છે.

આરોપી મહિલાની ઓળખ 39 વર્ષીય સૂચના સેઠ તરીકે થઈ છે. તે સ્ટાર્ટઅપ કંપની માઇન્ડફૂલ AI લેબની સહ-સ્થાપક છે. સૂચના તેના પુત્ર સાથે 6 જાન્યુઆરીના રોજ ગોવાની સોલ બનિયાન ગ્રાન્ડ હોટલમાં આવી હતી. તેણે સોમવારે (8 જાન્યુઆરી) હોટલમાંથી ચેકઆઉટ કર્યું હતું.

સૂચનાએ તેના પુત્રની હત્યા શા માટે કરી એનું કારણ પોલીસે જણાવ્યું નથી, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે તેના પતિથી છૂટાછેડાના કારણે તેણે આ પગલું ભર્યું છે. તેનો પૂર્વ પતિ હાલમાં ઈન્ડોનેશિયામાં છે. ગોવા પોલીસે તેને ભારત આવવા કહ્યું છે.

મામલો કેવી રીતે સામે આવ્યો
આ ઘટના ત્યારે સામે આવી જ્યારે હોટલનો સ્ટાફ રૂમ સાફ કરવા માટે પહોંચ્યો. તેમણે રૂમમાં લોહીના ડાઘ જોયા. સ્ટાફે હોટલ મેનેજમેન્ટને જાણ કરી હતી. આ પછી ગોવા પોલીસને બોલાવવામાં આવી હતી. પોલીસે સીસીટીવી ચેક કર્યા, જેમાં મહિલા તેના પુત્ર સાથે હોટલમાં આવતી જોવા મળી હતી, જોકે જ્યારે તેણે હોટલમાંથી ચેકઆઉટ કર્યું ત્યારે તે એકલી હતી. આ પછી ગોવા પોલીસ એક્શનમાં આવી.

મહિલા ટેક્સીમાં જવાની જીદ કરી રહી હતી
હોટલના સ્ટાફે પોલીસને જણાવ્યું કે સોમવારે મહિલા તેના રૂમમાંથી એકલી બહાર આવી અને બેંગલુરુ માટે ટેક્સી બુક કરવાનું કહ્યું. સ્ટાફે મહિલાને કહ્યું કે કેબનું ભાડું વધારે હશે. તેમણે સૂચનાને ફ્લાઈટમાં બેંગલુરુ જવાની સલાહ આપી. જોકે મહિલા ટેક્સીમાં જ જવાનો આગ્રહ કરી રહી હતી. સ્ટાફે એક ટેક્સી બોલાવી, જેના દ્વારા સૂચના પોતાનો સામાન લઈને બેંગલુરુ ગઈ.

ગોવા પોલીસના કહેવા પર ટેક્સી-ડ્રાઈવર પોલીસ સ્ટેશન પહોંચ્યો
ગોવા પોલીસે ટેક્સી-ડ્રાઇવરને બોલાવ્યો અને કેબ-ડ્રાઈવર પાસેથી નંબર લીધો અને સૂચના સાથે વાત કરી હતી. પોલીસે જ્યારે તેને તેના પુત્ર વિશે પૂછ્યું, ત્યારે સૂચનાએ પોલીસને જણાવ્યું હતું કે તેણે તેના પુત્રને ફાટોરડામાં તેના મિત્રના ઘરે મૂકી દીધો હતો. પોલીસે મિત્રનું સરનામું પૂછ્યું તો તેણે બધી માહિતી મોકલી. ત્યાર બાદ નાઈકે સરનામું ચકાસવા માટે ફાટોરડા ખાતેના તેમના મિત્રનો સંપર્ક કર્યો, પરંતુ એ સરનામું નકલી હોવાનું બહાર આવ્યું.

આ પછી ગોવા પોલીસની શંકાને વધુ સમર્થન મળ્યું હતું. પોલીસે ટેક્સી-ડ્રાઈવરને કર્ણાટકના નજીકના પોલીસ સ્ટેશનમાં જવા કહ્યું. ટેક્સી-ડ્રાઈવર સૂચનાને લઈને કર્ણાટકના ચિત્રદુર્ગ પોલીસ સ્ટેશન પહોંચ્યો. ત્યાં તેની બેગમાંથી બાળકનો મૃતદેહ મળ્યો હતો. આ પછી કર્ણાટક પોલીસે સૂચનાને કસ્ટડીમાં લીધી હતી. સૂચનાએ તેના પુત્રની હત્યા શા માટે કરી એ કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સૂચના અને તેના પતિ વચ્ચે છૂટાછેડા થઇ ગયા હતા. પ્રાથમિક તપાસમાં પુત્રની હત્યાનું કારણ આ માનવામાં આવી રહ્યું છે.

14 વર્ષ પહેલાં લગ્ન થયા હતા, ડિવોર્સ પછી પુત્રનું તેના પિતાને મળવું મંજૂર ન હતું
પોલીસના જણાવ્યા અનુસાર, સૂચના સેઠના લગ્ન 2010માં થયા હતા. 2019માં તેણે એક પુત્રને જન્મ આપ્યો. 2020થી પતિ-પત્ની વચ્ચે વિવાદ શરૂ થયો હતો. આ પછી બંનેના છૂટાછેડા થઈ ગયા. કોર્ટે આદેશ આપ્યો હતો કે સૂચનાના પતિ દર રવિવારે તેના બાળકને મળી શકે છે. જોકે સૂચના નહોતી ઈચ્છતી કે તેનો પતિ તેમના પુત્રને મળે, જેના કારણે તેણે પુત્રની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો હતો.

AI એથિક્સ લિસ્ટમાં 100 પ્રતિભાશાળી મહિલાઓમાં સામેલ સૂચના
સૂચના સેઠની LinkedIn પ્રોફાઇલ અનુસાર, તે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એથિક્સ એક્સપર્ટ અને ડેટા સાયન્ટિસ્ટ છે. તેને ડેટા સાયન્સ અને એઆઇમાં કામ કરવાનો 12 વર્ષનો અનુભવ છે.

વર્ષ 2021માં AI એથિક્સ લિસ્ટમાં 100 પ્રતિભાશાળી મહિલાઓની યાદીમાં સૂચનાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ સિવાય તે ડેટા એન્ડ સોસાયટીમાં મોઝિલા ફેલો, હાર્વર્ડ યુનિવર્સિટીના બર્કમેન ક્લેઇન સેન્ટરમાં ફેલો અને રમન રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટમાં રિસર્ચ ફેલો રહી ચૂકી છે.

ધ માઇન્ડફૂલ AI લેબની વેબસાઇટ પ્રમાણે આ કંપની પાસે AI એથિક્સ, મશીન લર્નિંગ સિસ્ટમના ડેવલપમેન્ટ અને સ્કેલિંગની એક્સપર્ટીઝ છે. આ કંપની ડેટા સાયન્સ પ્રોજેક્ટ લાઇફ સાઇકલ અને રિયલ વર્લ્ડમાં AI સિસ્ટમને તહેનાત કરવાના પડકારને સમજે છે.

Advertisement