GUJARAT

ડોનના ગઢ વાસેપુરમાં સુરત પોલીસનું ઓપરેશન

વર્ષ 1983માં તે સમયે બિહારના ધનબાદના વાસેપુર અને નયા બાઝાર ગેંગમાં વર્ચસ્વની જંગમાં ફહીમ ખાનના પિતા શફી ખાનની એક પેટ્રોલ પંપ પર હત્યા કરી દેવામાં આવે છે. ત્યાર બાદ 1986માં ધનબાદના કોર્ટ પરિસરમાં ફહીમના મોટા શમીમ ખાનને પણ ગોળીઓથી વીંધી દેવામાં આવે છે. આ બન્ને ઘટના પછી ફહીમ વાસેપુરની સલ્તનત પોતાના હાથમાં લઈ લે છે. જો કે 1989માં પણ ફહીમ ખાનના ભાઈ છોટે ખાનની રેલવે લાઇન પાસે પથ્થરથી હત્યા કરી દેવામાં આવે છે.

મામા-ભાણેજ બન્યા એકબીજાના લોહી તરસ્યા
વર્ષ 1990 અને 2000ના આ દાયકામાં ફહીમ ખાન પર અનેક હત્યાોનો આરોપ લાગ્યો અને તેમાંથી એક વ્યક્તિની હત્યા મામલે 2011માં ફહીમને જેલની સજા ફટકારવામાં આવે છે. ત્યાર બાદ તેને જેલ ભેગો કરવામાં આવે છે. જો કે આમ છતાં તે વિરોધીઓ સામે 40 વર્ષથી લડી રહ્યો છે. જ્યારે 9 વર્ષથી તે પોતાના સગા ભાણેજ પ્રિન્સ ખાન સામે લડી રહ્યો છે. માત્ર એટલું જ નહીં, પ્રિન્સ ખાન વીડિયો દ્વારા અનેકવાર તેના મામાને લલકારી ચૂક્યો છે. તેમજ પોતાનું એકચક્રી શાસન સ્થાપવા માગે છે. ઝારખંડના ધનબાદ જિલ્લાના વાસેપુરમાં આ પ્રિન્સ ખાનની બાજુમાં જ રહેતો અને 21 વર્ષથી ફરાર એવા હત્યાના આરોપી મોહમ્મદ ઉમર ઉર્ફે અમર અબ્દુલ રશીદ અન્સારીને તાજેતરમાં સુરત PCB (પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચ) ઉઠાવી લાવી છે. સુરત પીસીબીએ પાર પાડેલું આ દિલધડક અને શ્વાસ થંભાવી દેતું ઓપરેશન કરવા માટે પણ છપ્પનની છાતી જોઇએ.

સુરત પીસીબીએ 21 વર્ષ બાદ કેવી રીતે એક હત્યારાને વાસેપુરમાંથી ઉઠાવ્યો? માત્ર એટલું જ નહીં, આ હત્યારો ફહીમ ખાનના ભાણેજ એવા ખૂંખાર ડોન પ્રિન્સ ખાન ઉર્ફે છોટા સરકારની બાજુમાં જ રહેતો હતો. જ્યાં સ્થાનિક પોલીસ પણ જતા ફફડતી ત્યાં સુરત પીસીબીએ કેવો જીવ સટોસટનો ખેલ ખેલ્યો? આ તમામ સવાલોના જવાબ જાણવા દિવ્ય ભાસ્કરે PCB (પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચ) પી.આઇ. રાજેશ સુવેરા સાથે વાતચીત કરી હતી.

વર્ષ 2012માં જે ઝારખંડના શફીક ખાન અને ફહીમ ખાનના પરિવારની બદલાની કહાની પર અનુરાગ કશ્યપે ડિરેક્ટર કરેલી ‘ગેંગ્સ ઓફ વાસેપુર’ અને ‘ગેંગ્સ ઓફ વાસેપુર-2’ રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં ખાણ, ખાન અને ખાનદાનનો લોહિયાળ જંગ બતાવવામાં આવ્યો હતો.

‘ગેંગ્સ ઓફ વાસેપુર’માં બતાવેલા રિયલ કિંગના મહોલ્લામાંથી ઉઠાવ્યો
PCB પી.આઇ.રાજેશ સુવેરાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ કેસ ઉપર ચારેક મહિનાથી કામ ચાલી રહ્યું હતું. ધીરે ધીરે ટ્રેસ આઉટ કરતા પહેલા લોકેશન મળ્યું અને બાદમાં ટીમ સાત દિવસથી ત્યાં જ હતી. આપણને ઇન્ફોર્મેશન મળી હતી કે આરોપી ઉમર અન્સારી ટેમ્પો ચલાવી રહ્યો છે. ‘ગેંગ્સ ઓફ વાસેપુર’માં બતાવેલા ઓરિજિનલ કિંગના મહોલ્લા (કમર મકદૂમી રોડ)માં રહેતો હતો એટલે પોલીસના જવાનોએ પણ 3-4 દિવસ ત્યાં ટેમ્પો ચલાવ્યો હતો. ઉમરને આગળના દિવસે ટ્રેસ કરી લીધો અને બીજા દિવસે તે મહોલ્લામાંથી બહાર નીકળ્યો ત્યારે એને ઉઠાવી લીધો હતો.

‘આ વ્યક્તિ ક્યારેક ક્યારેક અહીં જોવા મળે છે’
’21 વર્ષ જૂના કેસને સમજવામાં જ વાર લાગી ગઈ હતી. ત્યાર પછી આરોપી ઉમર અન્સારીના રિલેટિવ અને સાથી આરોપીઓ વિષે અલગ અલગ પ્રકારની માહિતી મેળવી. ઉમર અન્સારી અગાઉ સુરતના ઉધના વિસ્તારમાં રહેતો હતો અને ત્યાં પણ બધાની પૂછપરછ કરી. જ્યાંથી અમને તેના ગામની લિંક મળી. આ લિંક તો મળી પણ પહેલા તેને વેરિફાઈ કરવી જરૂરી હતી એટલે વેરિફાઇ કરી. તેના ગામના લોકોએ કહ્યું કે આ વ્યક્તિ ક્યારેક ક્યારેક અહીં જોવા મળે છે પણ પરફેક્ટ માહિતી નથી. આ દરમિયાન તેને વેરિફાઈ કરવા માટે એક વ્યક્તિ મળ્યો. તેણે અમને કહ્યું કે આ વ્યક્તિ અહીં જ છે અને આ વિસ્તારમાં રહે છે. તેના આધારે ટીમે જઈને તેને પકડી પાડ્યો. એ વિસ્તાર ‘ગેંગ્સ ઓફ વાસેપુર’માં બતાવેલા ડેન્જરસ વિસ્તાર જેવો જ હતો અને ત્યાં સ્થાનિક પોલીસ પણ એકલી ન જાય. આ પ્રકારના જોખમી વિસ્તારમાં ઉમર રહેતો હતો. અમે ત્યાં જતાં ઉમરને એના ગઢમાંથી ઉપાડ્યો હોત તો એસોલ્ટ થવાના ચાન્સ વધારે હતા. જેથી તેના કોઈ સપોર્ટર ન હોય અને ઘર્ષણ ન થાય તેવી જગ્યાએથી ઉઠાવવા માટે પ્લાન ઘડ્યો. અમે તે બહાર નીકળે એની રાહ જોઈને જ બેઠા હતા. તેને ઉઠાવ્યા બાદ તેના કોઈ સાગરીત કે સંબંધીને જાણ પણ થઈ નહોતી’.

‘એક દિવસ ત્રણેય ઉમરના રૂમમાં દારૂ પીવા બેઠા’
‘વર્ષ 2003માં મહેરાજ, ઉમર અને દયાશંકર કાપડના ધંધા સાથે સંકળાયેલા હતા. જેમાં દયાશંકરની ટેલર શોપ હતી. જેથી મહેરાજ અને ઉમર પહેલાં એને ત્યાં દરજી કામ કરતા હતા. ત્યાર પછી બંને માર્કેટમાં કાપડ વગેરેનો ધંધો કરતા હતા. પરંતુ કોઈ બાબતમાં ઝઘડો થયો હતો. લગભગ પૈસા બાબતે ઝઘડો હતો. આ ત્રણેય ભેગા મળીને એક દિવસ ઉમરના રૂમમાં દારૂ પીવા બેઠા હતા. જો કે મહેરાજ અને ઉમર તો પ્લાનિંગ કરી ચૂક્યા હતા અને તેને અંજામ આપવાની તકની રાહમાં જ હતા. બન્નેએ દયાશંકરની હત્યા કરવાનું ષડ્યંત્ર ઘડી કાઢ્યું હતું. અમારું અનુમાન છે કે, હત્યા કરવાનો પ્લાન ઉમર અન્સારીનો હોવો જોઇએ. જો કે પૂછપરછમાં સાચી માહિતી બહાર આવશે’.

‘દારૂ પીવડાવ્યા બાદ ગળા ટૂંપો દઈ દીધો’
‘ઉમર ભાડે રહેતો હતો ત્યાં એ મિત્ર મહેરાજ અને દયાશંકર બંનેને બોલાવ્યા અને ત્રણેયએ સાથે બેસીને દારૂ પીધો. અગાઉ ઘડેલા પ્લાન મુજબ, દયાશંકર શિવ ચરણ ગુપ્તાને દારૂ પીવડાવ્યા બાદ ગળાટૂંપો દઈ દીધો. પરંતુ ગળાટૂંપાથી ન મર્યો તો દયાશંકરને ચપ્પુના ઘા માર્યા. જેથી દયાશંકરનું મોત થયું અને બંનેને થયું કે આ આપણી ઉપર આવશે એટલે બંનેએ પ્રાઇમસમાંથી કેરોસીન કાઢીને લાશના મોં પર નાખીને તેને કટકા કરીને રૂમમાં જ સળગાવી નાંખ્યો. જે તે વખતે પોલીસે પ્રાઇમસ પણ જમા લીધો હતો. દયાશંકરનો ગળાથી નીચેનો ભાગ એમ ને એમ હતો. ચહેરો આખો સળગી ચૂક્યો હતો અને હાડકાં દેખાતા હતા. મહેરાજ અને ઉમર બંનેએ રૂમ બંધ કરી બહારથી તાળું મારીને ટ્રેન પકડી લીધી. મહેરાજ યુપી ભાગી ગયો અને ઉમર બિહાર ભાગી ગયો. જતાં પહેલાં બંને નક્કી કર્યું હતું કે આપણે બે ક્યારેય ભેગા નહીં થઈએ’.

‘6-7 દિવસ બાદ રૂમમાંથી વાસ આવવા લાગી’
‘તેને મારી નાખ્યો એ વખતે કોઈને કંઈ ખબર નહોતી પડી કારણ કે, આ હત્યા રાત્રે કરવામાં આવી હતી. તેમજ મારતી વખતે મોં દબાવી રાખ્યું હતું. તેમજ ગળું દબાવીને છરા મારી દીધા હતા. એ પછી ઓળખણ ના થાય એ માટે સળગાવી દીધો હતો. બીજી તરફ 6-7 દિવસ બાદ રૂમમાંથી વાસ આવવા લાગતા પડોશીઓએ પોલીસ બોલાવી અને ત્યારે હત્યા થઈ હોવાની ખબર પડી. ત્યાર બાદ પોલીસે પૂછપરછ કરી તો આ રૂમ ઉમરનો હતો. પરંતુ એ ગાયબ હતો. જેથી ફલિત થયું કે આ મર્ડર તેણે જ કર્યું છે. જ્યારે તેની સામે અન્ય એક રૂમ હતો એ વ્યક્તિએ કહ્યું કે આ લોકો ત્રણ દિવસ પહેલાં રાતે દારૂ પીવા બેઠા હતા. મોટા મોટા અવાજે બોલતા હતા. જે તે સમયે પોલીસ તપાસ માટે વારંવાર બિહાર ખાતે ઉમરના ગામ ગઈ હતી. પરંતુ ઉમર સુરતથી ભાગ્યા બાદ તુરંત એના પરિવાર સાથે ધનબાદ (ઝારખંડ) જતો રહ્યો હતો. જેના પગલે પોલીસને એ બિહારમાં મળતો નહતો. તે ધનબાદમાં એક કોલસાની ખાણમાં કામ કરવા લાગ્યો હતો’.

કોલસાની ખાણમાં કામ કરતાં કરતાં બન્યો 7 ટેમ્પોનો માલિક
‘જો કે ઉમર ઝારખંડ ગયો એ પહેલાં યુપીના અરવલ ગામમાં હતો અને ત્યારથી જ એના પરિવારને જાણ હતી કે તે સુરતમાં મર્ડર કરીને આવ્યો છે. પરંતુ આસપાસ કોઈને એની જાણ નહોતી થવા દીધી. કોલસાની ખાણમાં કામ કર્યા બાદ તેણે એક ટેમ્પો ખરીદ્યો હતો. ધીમે ધીમે તેણે સાતેક ટેમ્પા લઈ લીધા હતા. આ ઉપરાંત ફાઇનાન્સનું કામ પણ કરતો હતો. યુપીથી ધનબાદ ગયા બાદ એ પોતાના ગામ કોઈ દિવસ ગયો જ નથી’.

સસરાના નામ પરથી બેંક એકાઉન્ટમાંથી નંબર મેળવ્યા
’20 ડિસેમ્બરે PCBની ટીમ પહેલી વાર જ ધનબાદ પહોંચી હતી. એ પહેલાં સુરતમાં 12 વર્ષથી વોન્ટેડ એવો 4 વર્ષની બાળકીના રેપ વિથ મર્ડરના આરોપીને પકડવા માટે બિહાર ગયા હતા ત્યારે કોન્સ્ટેબલ અશોક લુણી એક દિવસ વધુ સમય લઈને અરવલ જઈને આવ્યા હતા. ઉમરના જે તે સમયે લગ્ન થઈ ગયાં હતાં અને તેની પોલીસને પણ જાણ હતી. જેથી પોલીસ ઉમરના સસરાના મહેડિયા ગામમાં ગઈ અને તેના સસરાના નામ પરથી તેના બેન્ક એકાઉન્ટમાંથી ફોન નંબર લઈ આવ્યા. જો કે એ નંબર બંધ હતો. પરંતુ તેના ડોક્યુમેન્ટ પર અન્ય એક નંબર ચાલુ હતો. જે ઉમર અન્સારીના સાળાનો મિત્ર વાપરતો હતો. તેના નંબર પરથી ઉમરના સાળા ફારુકનો નંબર લીધો અને તેના પરથી ઉમરનો નંબર શોધ્યો. આમ આ નંબર પરથી ઉમરની ઓળખ થઈ કે આ જ વ્યક્તિ સુરત મર્ડરનો આરોપી છે’.

પાંચ વર્ષના બાળકથી લઈ પંચાવન વર્ષના લોકો રિવોલ્વર રાખે છે
‘ઉમરના ફોન નંબરનું લોકેશન ધનબાદ આવ્યું અને પીસીબીની ટીમ ત્યાં જવા માટે નીકળી. ઉમર ધનબાદના વાસેપુરમાં રહેતો હતો. વાસેપુર ગુનાખોરીનું કેપિટલ છે કારણ કે, ત્યાં પાંચ વર્ષના બાળકથી લઈને પંચાવન વર્ષના વૃદ્ધ પાસે પણ રિવોલ્વર મળે. માત્ર એટલું જ નહીં, ત્યાં કોઇ હથિયારની પરમિશન લેતું નથી. જો તમે પાનના ગલ્લે ઊભા હોવ અને એ પૈસાનું કાઉન્ટર ખોલે તો તેમાં બે ગન પડી હોય છે. આ વાસ્તવિકતા છે. અમારી ટીમે ત્યાંની પોલીસને ગુનાની જાણ કરીને કહ્યું કે આ આરોપીને અમે લેવા આવ્યા છીએ. ત્યાં અગાઉ ઘણી વાર પોલીસ સાથે મારામારી થઈ ચૂકી છે. જેથી તેમને થયું કે ગુજરાતનો ગુનો છે. બિહારનો આરોપી છે તો આપણે શું કામ પડીએ? એમના પહેલા જ શબ્દો એવા હતા કે ‘આપ કો પતા હૈ આપ કહા પે હો? આરોપી કો કહા સે લેના હૈ વો જગહ પતા હૈ કયા?’ એમનો કહેવાનો મતલબ એ હતો કે આ વાસેપુર છે અહીં આ રીતે રેડ નહીં કરી શકાય’.

ઉમરનું લોકેશન વાસેપુરના મુખ્ય ગેંગસ્ટરના ઘર નજીક હતું
‘ઉમરનું લોકેશન વાસેપુરના મુખ્ય ગેંગસ્ટર પ્રિન્સ ખાન ઉર્ફે છોટે સરકારના ઘર નજીક હતું. ‘ગેંગ્સ ઓફ વાસેપુર’ જેના પરથી બન્યું છે એ ફહીમ ખાનનો (ફિલ્મમાં આ રોલ નવાઝુદ્દીન સિદ્દીકીએ કર્યો છે) સગો ભાણિયો એટલે આ પ્રિન્સ ખાન. તેના મકાનની લાઇનમાં જ ઉમરનું મકાન હતું. જેથી સ્થાનિક પોલીસે કહ્યું કે ‘આ ધંધા ન કરો, જવું હોય તો પોલીસ તરીકે જ 10-12 ગાડીઓ લઈને જઈએ.’ PCB ટીમને થયું કે તો તો આરોપીને ખબર પડી જાય અને એ ભાગી જાય. અમે તેમને કહ્યું કે ‘અમને અમારી રીતે ઓપરેશન કરવા દો. જરૂર પડે તો તમને ફોન કરીશું.’ એમ કહીને તેમના કોન્ટેક્ટ નંબર લઈ લીધા હતા’.

‘બહારનો માણસ આવે એટલે બધા એની સામે જ જોયે રાખે’
‘પોલીસે ના પાડી એ પછી ટીમે પ્લાન બનાવ્યો કે 4-5 દિવસ પેટ્રોલિંગ કરીએ અને ઉમર બહાર દેખાઈ જાય તો કોઈને કંઈ પણ કહ્યા વગર લઈને નીકળી જઈશું. પરંતુ તકલીફ એ હતી કે સીધા જાય તો એમને જાણ થઈ જાય કે આ પોલીસ છે. આખો વિસ્તાર ભયાનક હતો. બહારનો માણસ આવે એટલે બધા એની સામે જ જોયે રાખે. જાણે કે અમારી ગલીમાં આ કેમ નવો માણસ આવ્યો છે? ત્યાર પછી ટીમે એમની રીતે એક વ્યક્તિને વિશ્વાસમાં લઈને તેના કાકાનો ટેમ્પો લીધો અને આ ટેમ્પો લઈને ગયા. ટેમ્પો લઈને ગયા તો કોઈ સામે નહોતું જોતું. ટૂંકમાં નવું નવું કંઈ કરીને જવાનું અને અમે ચાલતા નહોતા જતા. ચાલતા જાય તો ‘ભૌકાલ’ વેબસીરિઝમાં જે રીતે પોલીસ ગલીમાં ઘૂસે અને બધા સ્થાનિકો સામે જુએ એમ બધા સામે જોઈ રહેતા’.

‘એ ઘરના ઓટલા પર લુંગી પહેરીને બેઠો હતો’
‘અમે ત્યાં સાત દિવસ સુધી રોકાયા. પહેલા તો એ ઉમર સામે ક્યારેય મળ્યો જ નહોતો. તેનું ઘર એક દિવસ પહેલાં અમને મળ્યું હતું. પહેલા એનું ઘર કયું છે તે અંગે કશું ક્લિયર થતું નહોતું. ટીમે ચારેક દિવસ આંટા માર્યા ત્યારે આઇડેન્ટિફાય થઈ ગયો હતો. પરંતુ તેને ઓટલા પર જોઈ લીધો એટલે ખબર પડી કે આ જ એનું ઘર હશે અથવા આટલામાં જ હશે કારણ કે ત્યારે એ ઘરના ઓટલા પર લુંગી પહેરીને બેઠો હતો. તેના મકાન પર ‘રશીદ મિયાં’ લખેલું હતું. જે એના પિતાનું નામ હતું. તેની આસપાસ 10થી વધુ હટ્ટાકટ્ટા યુવાનો બેઠા હતા એટલે અમારી ટીમે એને પકડ્યો નહીં કારણ કે એનો વિસ્તાર હતો. જો પકડવા જાય તો બબાલ થાય એમ હતી અને સ્થાનિક પોલીસે પણ એવી વાત કરી હતી જેથી ટીમ સાવધાની રાખવા માંગતી હતી’.

‘અકસ્માતની સ્ટોરી ઘડી કહ્યું ઉમર’
‘અમારી પાસે ઉમરનો ફોટો હતો. અમે 3 દિવસ સુધી રેકી કરી અને એ બહાર નીકળ્યો ત્યારે અમે લોકો બાઇક પર અને બીજા લોકો ટેમ્પોમાં હતા. એક દિવસ સાંજે 6 વાગ્યાની આસપાસ અમારી ટીમ ઉમરને ઉઠાવી લેવાની તૈયારીમાં હતી. ઉમર ઘરની બહાર જઈ રહ્યો હતો. આ દરમિયાન ટીમ વોચમાં જ હતી. એમને લાગ્યું કે હવે ઉમરને કોઈ જોતું નથી. એ એકલો છે. એ તક જોઈને ટીમ એની નજીક ગઈ. પછી તેને અકસ્માતની સ્ટોરી ઘડી કહ્યું,

‘ઉમર.’ ‘બોલો કયા બાત હે?’ ‘તેરે ટેમ્પોને વહાં કિસી ઇન્સાન કો ઠોક દિયા હૈ’ ‘મેરા ટેમ્પો તો દો દિન સે યહાં પે હી હૈ. કહી ગયા હી નહીં. ઔર મેરા કોઈ ટેમ્પો ભી નહીં ચલાતા.’ ‘તો ચલ,એકબાર થાને ચલ કે બાત કર લેતે હૈ.’ ‘મૈં શર્ટ પહેન કે આ રહા હૂં.’

‘એમ કહીને તેણે આવવાની ના પાડી ત્યાં જ ટીમે તેનો એક હાથ અને એક પગ પકડીને ટીંગાટોળી કરીને બાઇક પર જ બેસાડી દીધો. તેની પાછળ બીજા એક પોલીસને બેસાડયો અને રવાના થયા. બીજા બે જણ ટેમ્પો લઈને આવ્યા. બાઇક પર તેણે કહ્યું,

‘આપ ઐસે થોડી મુજે લે જા સકતે હો? મેરા ગુના કયા હૈ?’ ‘ચૂપ રે. સુરત પોલીસ.’ એમ કહેતા જ એ શોક થઈ ગયો’.

‘એક મિનિટ વધારે કાઢી હોત તો એ અમારાં હાડકાં ન રહેવા દેત’
‘ત્યાર બાદ ત્યાંના વાસેપુર પોલીસ સ્ટેશનના બદલે બીજા ભુલી પોલીસ સ્ટેશન લઈ ગયા. વાસેપુર પોલીસ સ્ટેશન લઈ જતાં તેમના માણસો આવીને ઉમરને છોડાવી જવાનો ડર હતો. જેથી ત્યાંની પોલીસને રિપોર્ટ કરીને તુરંત સુરત આવવા માટે રવાના થઈ ગયા હતા. તેને ઉપાડ્યો ત્યારે કંઈ ખબર જ નથી પડવા દીધી. ગાડી પર બેસાડીને વિસ્તાર છોડી દીધો પછી તેને ભાન થયું કે મને કોઈ લઈ જાય છે. હાલત એવી હતી કે ત્યાં એક મિનિટ જો વધારે કાઢી હોત તો એ લોકો અમારાં હાડકાં ન રહેવા દેત. ભરચક વિસ્તારમાંથી ઊંચકી લીધો. પછી પોલીસ સ્ટેશને એના પરિવારના સહિત પચીસેક લોકોનું ટોળું આવી ગયું હતું. પરંતુ કહ્યું કે સુરત પોલીસ છીએ અને સુરત લઈ જઈએ છીએ. એટલે એ પણ બધા સમજીને તરત પાછા જતાં રહ્યા. સુરત પાછા ફરતી વખતે PCBની ટીમ પાસે વાહન નહોતું એટલે ભુલી પોલીસ સ્ટેશનના પીઆઇ પોતે અમને રેલવે સ્ટેશન સુધી મૂકવા આવ્યા હતા’.

‘પ્રિન્સ ખાન છોકરો હતો ત્યારથી આપણું કામ કરતો’
PCB પી.આઇ. રાજેશ સુવેરાએ પોતાની વાત પૂરી કરતા કહ્યું કે, ઉમર પ્રિન્સ ખાનના પૂરા પરિચયમાં હતો. ઉમર એવું કહેતો કે પ્રિન્સ ખાન છોકરો હતો ત્યારથી આપણું કામ કરતો હતો. પરંતુ એની સાથે આ ગુનામાં કોઈ કનેક્ટિવિટી સામે નથી આવી. વાસેપુરનો ફહીમ ખાન યુપીની જેલમાં છે. ધારાસભ્યના મર્ડરમાં પણ તેનું નામ છે અને છેલ્લાં 25 વર્ષમાં સામસામે 2 પક્ષ તરફથી લગભગ 25 જેટલાં મર્ડર થઈ ગયાં છે. તાજેતરમાં 3 ડિસેમ્બરે આ જ ગેંગના વ્યક્તિનું જેલમાં મર્ડર થઈ ગયું હતું. જેથી સ્થાનિકો લોકલ પોલીસ પર પણ વિશ્વાસ કરતાં નથી અને સ્થાનિકો પર પણ ભરોસો કરાય એમ નથી ત્યાં દેશી કટ્ટાનું ઘણું ચલણ છે. રિક્ષાવાળો, લારીવાળો બધા જ દેશી કટ્ટા રાખે છે.

આરોપીની ક્રાઇમ કુંડળી
સુરતમાં 2003માં થયેલી દયાશંકર ગુપ્તાની હત્યાના આરોપી એવા મહેરાજ અને ઉમર ત્રણ વર્ષથી સુરતમાં જ રહેતા હતા.આરોપીની વિરુદ્ધમાં અગાઉ એકવાર પાંડેસરામાં એક શેઠના છોકરાના અપહરણનો કેસ થયો હતો. જેમાં ઉમર અન્સારી 3 મહિના જેલમાં રહીને આવ્યો હતો. ત્યાર પછી તો એ 2003થી બહાર ભાગી ગયા બાદ પકડાયો જ નહોતો. જો કે મહેરાજની હજુ સુધી કોઈ ક્રાઇમ કુંડળી બહાર આવી નથી. મહેરાજ અલીને સુરત ઝોન-1 LCBની ટીમ જે તે સમયે યુપીથી પકડી લાવી હતી. અત્યારે એ લાજપોરમાં જેલમાં છે. શરૂઆતમાં ઉમરે પણ એ જ કહ્યું કે અમે બંને એ ઘટના પછી ક્યારેય મળ્યા જ નથી. પોલીસે તપાસ કરી એ મુજબ એ સાચું જ લાગે છે કે એ બંને ક્યારેય મળ્યા નથી. કદાચ પહેલીવાર હવે જેલમાં મળશે.

Advertisement