NATIONAL

4 વર્ષની દીકરી એક વાર પપ્પાના પાર્થિવેદહને જુએ ને પછી બોલી….પપ્પા ક્યાં જતાં રહ્યાં તમે..

રાયપુરઃ છત્તીસગઢમાં ચાર દિવસ પહેલાં બીજાપુરના જંગલમાં થયેલા નક્સલી હુમલામાં 23 જવાન શહીદ થયા હતા અને 31 ઘાયલ થયા હતા. હવે અંતિમ સંસ્કાર માટે શહીદ જવાનોના શબ ઘરે આવી રહ્યાં છે. આ હુમલામાં શહીદ થયેલા જવાન રમેશ કુમાર જુર્રીનો પાર્થિવદેહ તિરંગામાં લપેટાઈને ઘરે આવ્યો ત્યારે સેંકડો લોકો હાજર હતા. દરેકની આંખો ભીની હતી.

પરિવારની રડી રડીને આંખો સૂજી ગઈ હતી. જોકે, જવાનની ચાર વર્ષની દીકરી બસ પિતાની તસવીર સામે ટીકીટીકીને જોતી હતી. તે ચૂપ હતી. તેની આંખમાં આંસુનું એક ટીપું નહતું. કદાચ તેના મનમાં સવાલ હશે કે ત્રણ દિવસ પહેલાં તો પપ્પા સાથે હતા, હવે કેમ તે બોલતા નથી અને ચૂપચાપ સૂઈ રહ્યાં છે.

35 વર્ષીય શહીદ જવાન રમેશ જુર્રી કાંકેર જિલ્લાના પંડરીપાની ગામમાં રહેતા હતા. તેઓ ડિસ્ટ્રીક્ટ રિઝર્વ ગાર્ડના પ્રધાન આરક્ષક હતા. ગામમાં સન્નાટો છવાઈ ગયો હતો. લોકો જવાનની વૃદ્ધ માતાને સાંત્વના આપતા હતા. જ્યારે જવાનનો પાર્થિવદેહ આવ્યો ત્યારે વૃદ્ધ માતા પોક મૂકીને રડવા લાગી હતી. તો જવાનની પત્ની સુનીતા વારેઘડીએ બેભાન થઈ જતી હતી.

ચાર વર્ષની દીકરીને કંઈજ ખબર પડતી નહોતી. તે પિતાની તસવીરને કેમ ફૂલ ચઢાવવામાં આવે છે, તે જોઈ રહી હતી. તેને ખબર નહોતી પડતી કે આખરે કેમ મમ્મી, દાદી, કાકા બધા રડી રહ્યાં છે. ચાર વર્ષની દીકરીને જોઈને પણ ગામવાસીઓ ભાવુક થઈ ગયા હતા.

શહીદની માસીએ કહ્યું હતું કે હુમલો થયો ત્યારે જવાનની પત્ની સુનીતા વારંવાર ફોન કરતી હતી. જોકે, જ્યારે ફોન લાગ્યો નહીં. બધા ચિંતામાં મૂકાઈ ગયા હતા. થોડીવાર બાદ ટીવીમાં હુમલાના સમાચાર આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે 2015માં રમેશના લગ્ન સુનીતા સાથે થયા હતા. તેમને ચાર વર્ષની દીકરી છે. બે ભાઈઓમાં રમેશ સૌથી મોટા હતા પિતાના નિધન બાદ રમેશ જ પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ઘરમાં તેઓ એકમાત્ર કમાનાર વ્યક્તિ હતા. હુમલાના બે દિવસ પહેલાં રમેશે પત્ની સાથે વાત કરી હતી. સુનીતાને સ્વપ્ને પણ ખ્યાલ નહોતો કે તે પતિ સાથે છેલ્લીવાર વાત કરે છે.

જવાને હાલમાં જ ઘરની નજીક ટ્રાન્સફર કરાવવા માટે અરજી કરી હતી. તે ભાઈને ભણાવવા માગતા હતા અને વૃદ્ધ માતાની સેવા કરવી હતી. જોકે, તેમને ખ્યાલ જ નહોતો કે તે માભોમ માટે શહીદ થશે અને તેમના સપનાઓ બસ સપના બનીને હવામાં ઓગળી જશે. શહીદ રમેશની કબર પિતાની કબરની બાજુમાં જ બનાવવામાં આવી હતી.

Advertisement